RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

પ્રેમ-પત્ર 10/05/2010

Filed under: પ્રેમ-પત્ર — rajdangar @ 6:16 એ એમ (am)

તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,
છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું,
પ્રેમી તો તારો હું કાયમનો છું,
આજે આશીક બનવા ઇચ્છું છું,
રોજ જ તારી સાથે પ્રેમ કરું છું,
પણ આજે અલગ પ્રેમ વ્યક્ત કરવા માગું છું,
રાતનાં તો બહું નીંદર આવી જાય છે,
એટલે દિવસમાં સપનાં જોઉં છું,
સપના તો ખેર તારા જ હોય ને,
ભૂલથી કોઈ બીજી આવી જાય તો…
તને એની સાથે લડતાં જોઉં છું,
તું મારા માટે સૌંદર્યની મૂરત છે,
તને જોવાની હું રોજ મજા લૂટું છું,
શરીરથી તો અત્યારે તારાથી દૂર છું,
પણ મનથી તારી આસ-પાસ જ ફરું છું,
તને ખૂશ કરવાનાં અવસર હું વારંવાર ચૂકું છું,
પણ આજે આ બધું લખી સાટું વળવા માગું છું,
તુ કમળ બની ને ખિલજે આજે..,
હું ભમર બની ને આવું છું,
શબ્દોની આવી જાળ બિછાવી..
તને જ તો ફાંસવા મથું છું,
ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી..
થોડીક ક્ષણ રાહ જો..
હું હમણા જ આવું છું

Advertisements
 

બરફ જેવાં સ્વજનો –જ્યોતી ઉનડકટ (ચિત્રલેખા) 07/05/2010

‘મારાં સ્વજન કોલ્ડ સ્ટોરેજમાં જામતા બરફ જેવાં છે. કોઈ દીવસ ઓગળતાં નથી. હું પણ એ જ કોલ્ડ સ્ટોરેજની જણસ છું. છતાં રોજ ટીપે ટીપે પીગળું છું. મનમાં જામેલો બરફ ઓગળીને આંખોમાં થીજી જાય છે. શું એ લોકોને કંઈ નહીં થતું હોય ?’

દીવાળીની આતશબાજીની જેમ મીતાલીના અવાજમાં દર્દ લબકારા લેતું હતું. લગ્ન પછી એની આ સાતમી દીવાળી છે. એ કહે છે કે દર વર્ષે ટોડલે દીવો મુકતી વખતે પપ્પાના ઘરે દીવાળીએ દીવો કરતી હતી એ વાત યાદ આવી જાય છે. શું ત્યાં હજી એ જ દીવો થતો હશે ? એ જ જગ્યાએ રંગોળી પુરાતી હશે ?

શું પપ્પાને કંઈ કરતાં કંઈ યાદ નહીં આવતું હોય ? કપડાંની ચૉઈસ કે ફટાકડાની જીદ. પચીસ વરસની હતી તો પણ હું દાઝી ન જાઉં એ માટે ફટાકડા ફોડતી વખતે પપ્પા મારી સાવ પાછળ ઉભા રહેતા. ‘ફટાકડા ફોડવા છે તો પહેલાં કૉટનનાં કપડાં પહેરો. બૉમ્બ હાથમાં નહીં સળગાવવાનો’…નાની નાની વાતોનું કેટલું ધ્યાન રાખતા હતા !

આ સાત વરસમાં કોઈ દીવસ એમને એવું નહીં થયું હોય કે મારી દીકરી ક્યાંક દાઝી તો નહીં હોય ને ? એક ફોન નહીં; કોઈ વાતચીત નહીં ! આવું કેમ બની શકે ? ભલેને મેં ભાગીને લગ્ન કર્યાં હોય. ભલેને પપ્પાએ કહ્યું હોય કે, ‘મારે માટે એ મરી ગઈ છે.’ એ જ પપ્પા પહેલાં કહેતાં, ‘તું તો મારા ઘરની કોયલ છે.’ હવે કયો ટહુકો એમને સંભળાતો હશે ?

ક્યારેક ગુસ્સો આવી જાય છે. શું એમના કાને બહેરાશ આવી ગઈ છે કે એમની કોયલનો ટહુકો યાદ આવતો નથી ? પછી થાય છે કે ના એવું નહીં જ હોય. દીવાળીના દીવસે લાપસીનો પહેલો કોળીયો મોંમાં મુકતી વખતે હું જરુર યાદ આવતી હોઈશ. ફુલઝરના ઝગમગાટમાં પપ્પાને મારો ચહેરો દેખાતો હશે.

જીન્દગીની હાર્ડ ડીસ્કમાં સેવ થયેલા સ્મરણ એમ ડીલીટ થતાં નથી. રીસાઈકલ બીનમાં પડી રહેલાં આવાં સ્મરણ વારે વારે તાજાં થઈ જાય છે. આંખમાં એક રંગોળી ઉઠે છે અને આશીર્વાદ માટે ઉઠેલા હાથોનો સ્પર્શ અનુભવાય છે.

મીતાલી કહે છે કે હું જરાયે દુઃખી નથી. મેં પણ આજે નવાં કપડાં પહેર્યાં છે. આંગણે રંગોળી પુરી છે. ટોડલે દીવો કર્યો છે. મને કોઈ ફરીયાદ નથી, તો પછી એ લોકોની ફરીયાદ કેમ દુર થતી નથી ? મારા દરેક વર્તનમાં એમના જ સંસ્કાર રિફ્લેક્ટ થાય છે. હજુયે એ જ રીતે પગલાં ભરું છું, જે રીતે પપ્પાએ શીખવ્યું હતું. તો પછી આ દુરી કેમ આવી ગઈ ?

‘હાથ છુટે ભી, તો રીશ્તે નહીં તુટા કરતેં’… હાથ છુટી ગયો છે; પણ સમ્બન્ધ ? દીવાલ પર ટીંગાયેલાં તારીખીયાનાં પાનાં ખરતાં રહે છે. એ હાથ દુર ને દુર જતો રહે છે. જે હાથ મારા માથા પર વહાલ થઈને ફરતો હોય છે એ હાથ તમાચો કેમ બની જતો હશે ?

ખેર ! અગેઈન કહું છું, હું જરાયે દુઃખી નથી. પ્રીયજન સાથે ભાગીને લગ્ન કર્યાં છે એનો પસ્તાવો નથી. પપ્પા માટે ભલે હું મરી ગઈ હોઉં; પણ મારા માટે એ બધા જ જીવે છે. હું પણ જીવું છું.

એમણે કદાચ પોતાનાં સ્મરણ મનમાં દફનાવી નફરતની એક કબર ઉભી કરી દીધી હશે. એ વીચાર આવે છે ત્યારે પણ થાય છે કે લોકો કબર પર પણ ક્યારેક ફુલ ચડાવવા આવે છે. મૃત્યુતીથીએ પણ માણસો યાદ કરે છે. કમ સે કમ ‘તું મરી ગઈ છે’ એવું બોલવાની તારીખને મારી મૃત્યુતીથી સમજીને યાદ નહીં કરતા હોય ? સૉરી, સારા દીવસે આવી વાત બોલવી નહીં જોઈએ; પણ બોલાઈ જાય છે.

ઘણી વખત એવું થાય છે કે હુંય બધું ભુલી જાઉં; પણ હું ભુલી શકતી નથી કે પપ્પા–મમ્મીની વાતો પર હું કેવી હસી પડતી હતી. મમ્મી કહેતી કે તું હસે છે તો જાણે ઘરની બધી જ દીવાલો મહેકી ઉઠે છે. એ દીવાલ પર મારો જે ફોટો હતો એ તો એમણે તોડીને ફેંકી દીધો છે; પણ મનની દીવાલો પર અંકાયેલી યાદો પણ ભુંસાઈ ગઈ હશે ?

જીન્દગી છે; ચાલતી રહેવાની છે. એમની પણ અને મારી પણ. કંઈ જ નથી જોઈતું. કોઈ અપેક્ષા નથી. કોઈ ફરીયાદ નથી; છતાં પણ એવું શું છે, જે વારેતહેવારે કુંપળ બની ફુટી જાય છે, એ કુંપળનો સ્પર્શ થઈ જાય છે અને કેટલીક કુમાશ તાજી થઈ જાય છે ! હું એ કોલ્ડ સ્ટોરેજના દરવાજા તોડીને બહાર આવી ગઈ છું એટલે જ ક્યારેક પીગળી જાઉં છું; પણ પેલો બરફ પીગળતો નથી.

હું સુખી છું. પછી જેમણે કાયમ મારું સુખ ઈચ્છ્યું એ લોકો કેમ સુખી નથી ? હું તો પ્રાર્થના કરું છું કે તમે સુખી રહો–મને ભુલીને પણ. ભલે તમારાં આંસુ પણ તમારા કોલ્ડ સ્ટોરેજની જેમ જામીને બરફ થઈ જાય. પણ મારે બરફ થવું નથી. મારે તો ઝરણાની જેમ વહેતું રહેવું છે. એક જગ્યાએ થીજી નથી જવું.

મીતાલી પુછે છે કે મારા જેવી કેટલી પ્રીયદર્શીની હશે ? હું તો આ નવા વર્ષે એવી પ્રાર્થના કરું છું કે એમનાં આપ્તજનો કોલ્ડ સ્ટોરેજના બરફ જેવાં ન હોય…

 

પ્રેરક પ્રસંગો – સંકલિત 06/05/2010

Filed under: પ્રેરક પ્રસંગો - સંકલિત — rajdangar @ 5:44 એ એમ (am)

1 )

એકાંત સેવી અવધૂત એવા મસ્તરામ પાસે જઈને રાજાએ સવાલ પૂછ્યો, “મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?” અવધૂતે કોઈ જવાબ આપ્યો નહીં, રાજાએ ફરીથી એક વખત તેમને કહ્યું, “મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?” અવધૂતે તેમની સામે તુચ્છકારભર્યું હાસ્ય કર્યું, રાજા હવે ઉભો થઈ જોરથી બરાડવા જતો હતો એટલામાં અવધૂતે કહ્યું “તું કોણ છે?’ રાજા કહે, “હું રાજા છું આ આખાય નગરનો.” અવધૂત કહે, “તારા દીદાર તો ભિખારી જેવા છે… તું અને રાજા?” રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તેણે તલવારની મૂઠ પર હાથ મૂક્યો, અવધૂત કહે, “એ કટાયેલી તલવારને ચલાવવાનું આવડે છે?” રાજા તેમને તલવારથી મારવા જ જતો હતો કે અવધૂત બોલ્યા, “રાજન જુઓ, નરકના દ્વાર ખુલી રહ્યાં છે.” રાજાને સત્ય સમજાયું, તે અવધૂતના ચરણોમાં નમી પડ્યો, માફી માંગી પસ્તાવો વ્યક્ત કરવા લાગ્યો, અવધૂત કહે, “રાજન જુઓ, હવે સ્વર્ગના દ્વાર ખુલવા લાગ્યા છે.”

2 )

નાના એવા શહેરના મુખ્ય રસ્તા પર બેફામ ઝડપે પસાર થતી એક અમીરની મોટરગાડીને પાછળથી આંબી ગયેલા એક મોટરસાયકલ સવાર પોલીસે ઉભી રખાવી. હાંકનાર સન્નારીના નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડ્યા. પેલા બાનુ ગુસ્સે થઈ બોલવા લાગ્યા, “તમે કાંઈ લખો એ પહેલા જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે.”

એક શબ્દ બોલ્યા વગર પોલીસે નોંધ ટપકાવવાની ચાલુ રાખી એટલે પેલા બાનુ ગુસ્સે થવા લાગ્યા, ” અહીંના પોલીસ ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.” એમના મિજાજનો પારો ચઢતો જતો હતો તે છતાં પોલીસે ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું, “હું અહીંના મેજીસ્ટ્રેટ અને ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું…. જાણી લેજો..”

નોંધ પૂરી કરી ડાયરી બંધ કરી દંડની રસીદ પકડાવતા પોલીસે એને મધુરતાથી પૂછ્યું, “હવે કહો જોઈએ, તમે કાનજી રવજીને ઓળખો છો?”

“ના!” બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું, “ત્યારે ખરી જરૂર તમારે એને ઓળખવાની હતી.” પોલીસે દંડ લઈ પોતાની મોટરસાયકલ શરૂ કરતા કહ્યું, અને ઉમેર્યું, “હું કાનજી રવજી છું.”

સંપાદક – રાજ ડાંગર

 

નમ્રતા – સંકલિત

Filed under: નમ્રતા - સંકલિત — rajdangar @ 5:27 એ એમ (am)

જનરલ કરિઅપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલવહેલા આશ્રમમાં ગયા. ત્યાં માથે ફાળિયું બાંધી એક ડોસો વાસીદું કાઢતો હતો, તેથી તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું.
ડોસાએ પૂછ્યું : ‘કેટલા વાગ્યે મળવાનું ગાંધીજીએ રાખ્યું છે ?’
કુમારપ્પા ગુસ્સે થયા : ‘તેનું તારે શું કામ ? તું તારે જઈને ખબર આપ. મળવાનું ચાર વાગ્યે રાખ્યું છે.’
ડોસો બોલ્યો : ‘પણ હજી તો સાડા ત્રણ જ થયા છે.’
કુમારપ્પા ફરી છંછેડાયા : ‘પાછો ડાહ્યો થયો ? જા, મારા કહ્યા મુજબ કર.’
આથી ડોસો મૂંગો મૂંગો બીજા ખંડમાં ગયો અને થોડીવારે પાછા આવી કહ્યું : ‘સાહેબ, બેસો. ગાંધીજી આપને ચાર વાગ્યે મળશે.’

કુમારપ્પા ગાદી પર બેઠા. બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી નાખી પેલા ડોસાએ પૂછ્યું, ‘બોલો સાહેબ, શું કામ છે ? મને જ લોકો ગાંધી કહે છે.’

સંપાદક – રાજ ડાંગર

 

તુંબડી – રમણલાલ સોની

Filed under: તુંબડી – રમણલાલ સોની — rajdangar @ 5:24 એ એમ (am)

કેટલાક ભક્તો તીર્થયાત્રાએ જતા હતા. સંત તુકારામે તેમને કહ્યું, ‘મારાથી તો અવાય એમ નથી. પણ મારી આ તુંબડીને લઈ જાઓ, એને દરેક તીર્થમાં સ્નાન કરાવજો !’ ભક્તો અનેક તીર્થોની યાત્રા કરીને પાછા આવ્યા. તેમણે તુંબડી પાછી આપી કહ્યું : ‘અમે એને એકેએક તીર્થમાં સ્નાન કરાવ્યું છે.’ તુકારામે એ જ તુંબડીનું શાક કરી ભક્તોને પીરસ્યું. તો ભક્તોએ એ થૂંકી નાખ્યું. કહે : ‘આ તો કડવી છે.’ તુકારામે કહ્યું : ‘આટાઅટલા તીર્થમાં સ્થાન કર્યું તોયે એ કેમ કડવી રહી ?’ ભક્તો કહે : ‘એનો સ્વભાવ જ એવો છે. પછી તીર્થ શું કરે ?’ તુકારામે કહ્યું : ‘ખરી વાત, ગમે તેટલી જાત્રા કરીએ, પણ આપણો સ્વભાવ ન બદલીએ તો આપણે પણ આ કડવી તુંબડી જેવા જ છીએ.’

સંપાદક – રાજ ડાંગર