RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

પ્રેમનું પ્રશ્નપત્ર…….. 17/02/2011

Filed under: પ્રેમનું પ્રશ્નપત્ર — rajdangar @ 7:46 એ એમ (am)

દરેક સાજન માટે આ ‘પ્રેમનું પ્રશ્નપત્ર’ કઢાયું છે.  બધા સવાલ સવા લાખના છે. જવાબ જેવા તેવા નહીં ચાલે ! સજની સ્વયમ પ્રેમનું પ્રશ્નપત્ર તપાસી જોશે ! પાસ થવાનું થોડુંક અઘરું છે. દરેક પ્રશ્નની સાથે પરિક્ષકે ઉદહરણ રૂપે (દા. ત. ) એક જવાબ મુક્યો છે. તમારો જવાબ તમે જાણો !!

 

 

 

 • ખુબ જ ઓછા સમયમાં તમારી પ્રિયતમા તમારા હદય , મન, ઘર અને કુટુંબ પર છવાઇ જાય, બધે જ એની વાહ વાહ થઇ જાય તો તમે એને ઘણા ઓછા શબ્દોમાં કઇ રીતે બીરદાવો ? ?
 • દા. ત.  આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ, જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ !
 • કોઇની પાછળ તમે દિવાના થઇ ગયા છો એની પ્રતિતિ કરાવવા તમે એ પ્રિય પાત્રને શું કહેશો ? “ મારા સોગંધ” કે “તારા સોગંધ બસ”  ના- ના એવું તો નહીં ચાલે. આનાથી આગળ શું કહેવાય ?
 • દા. ત. દેખતી આંખો છતાંય તમારી પાછળ થઇ ગયો છું અંધ, માનો તો ઠીક છે નહીં તો તમારા રૂપના સોગંધ !!
 • પ્રિયતમાના રૂપના વખાણ કરતાં તમને આવડે છે ? કાચની પુતળી કે ચાંદના ટુકડાથી આગળ તમે શું વિચાર્યું છે ?
 • દા. ત.  તને સહેજ અમથી મેં બહાર બોલાવી, અને ફૂલો હસી પડયાં જાણે કે બહાર આવી !
 • પ્રિય પાત્રના સુંદર દાંતના વખાણ કઇ રીતે કરશો ?  ‘દાડમની કળી જેવા તારા દાંત’થી આગળ ક્યારેય વધ્યા છો ખરા ??
 • દા. ત.  અમે શું ગાઇએ તમારા દાંતના ગાણા, એ જોઇને જ ઇશ્વરે બનાવ્યા છે દાડમના દાણા !
 • અંધોના નગરમાં અરીસા અને ટાલીયાઓના શહેરમાં કાંસકાની શું કિંમત ? અપાર સૌંદર્યનો ખજાનો પણ તેના કદરદાનને ઝંખે છે. પણ સૌંદર્યને નિરખીને પોતાની આંખોને ઠારતા કદરદાનોને દુનિયાના લોકો શું કહે છે ? લખો એ કદરદાનાના શબ્દોમાં !
 • દા. ત.   આ લોકો સૌંદર્ય માટે બે શબ્દો ય કયાં કહે છે, અને અમે કરીએ કદર તો લોકો કહે કે ઝાંખે છે !!
 • જવાનીના નશામાં પ્રેમની બજારમાં ભલે સારા ઠેકાણે પણ સસ્તામાં વેચાઇ ગયાની નઠારી વાત કરી પ્રિયતમાને ચીડવી શકાય ખરી . પણ આવી નઠારી વાતને મઠારીને કરવી શી રીતે ??
 • દા. ત.  હું ભુલમાં જ તમારી કસમ ખાઇ ગયો છું, હું સાવ સસ્તામાં વેચાઇ ગયો છું !!
 • હું તારા ભરોસે છું. તારા પર કરેલા ભરોસે તો મારું જીવન ટકેલું છે ! આ વાતને પ્રિયજનને વધારે અસરકારક રીતે વ્યક્ત કરવી હોય તો શું કહેવાય ?
 • દા. ત. માત્ર તારો જ વિશ્વાસ લઇને જીવું છું,હું ઉછીના શ્વાસ લઇને જીવું છું !
 • પ્રિયપાત્ર જ્યારે પોતાનાથી થોડાક કે ઘણા દિવસો માટે દુર જઇ રહ્યું હોય એ પળ, એ ક્ષણ અતિ કઠીન હોય છે. દિલને દિલાસો આપવા ખાતર શું અરજ કરી શકાય ?
 • દા. ત.  શક્ય હોય તો તારો પડછાયો તું મુકીને જા, તડકો પડે છે ખુબ એક છાંયો તું મુકીને જા.
 • પ્રિયતમા પર હદ ઉપરાંતનો પ્રેમ ઉભરાઇ આવે અને પેલા ફિલ્મી ગીત “કહાં સે કરું મેં પ્યાર શરૂ” જેવી હાલત થાય ત્યારે તમારા મનમાં કેવી ગડમથલ થાય ? ?
 • દા. ત. એવી દ્વીધા મારા મનમાં સતત સાલે સનમ, તને પાનીએ ચુમુ કે ચુમુ ગાલે સનમ !

 • કોઇના દિલમાં થોડીક જગ્યા મેળવવા મથતો પ્રેમી તેની નાદાન- નાસમજ પ્રેમીકાને આ વાત શી રીતે સમજાવે ?
 • દા. ત.  હું રોજ રોજ તમારી જ ખોજમાં રહું છું, તમે જેને તમારૂં દિલ કહો છો તેને હું મારી મંજીલ કહું છું!

લેખક – સુરેશ લાલણ

સંપાદક – રાજ ડાંગર (વડોદરા)

Advertisements