
‘મારાં સ્વજન કોલ્ડ સ્ટોરેજમાં જામતા બરફ જેવાં છે. કોઈ દીવસ ઓગળતાં નથી. હું પણ એ જ કોલ્ડ સ્ટોરેજની જણસ છું. છતાં રોજ ટીપે ટીપે પીગળું છું. મનમાં જામેલો બરફ ઓગળીને આંખોમાં થીજી જાય છે. શું એ લોકોને કંઈ નહીં થતું હોય ?’
દીવાળીની આતશબાજીની જેમ મીતાલીના અવાજમાં દર્દ લબકારા લેતું હતું. લગ્ન પછી એની આ સાતમી દીવાળી છે. એ કહે છે કે દર વર્ષે ટોડલે દીવો મુકતી વખતે પપ્પાના ઘરે દીવાળીએ દીવો કરતી હતી એ વાત યાદ આવી જાય છે. શું ત્યાં હજી એ જ દીવો થતો હશે ? એ જ જગ્યાએ રંગોળી પુરાતી હશે ?
શું પપ્પાને કંઈ કરતાં કંઈ યાદ નહીં આવતું હોય ? કપડાંની ચૉઈસ કે ફટાકડાની જીદ. પચીસ વરસની હતી તો પણ હું દાઝી ન જાઉં એ માટે ફટાકડા ફોડતી વખતે પપ્પા મારી સાવ પાછળ ઉભા રહેતા. ‘ફટાકડા ફોડવા છે તો પહેલાં કૉટનનાં કપડાં પહેરો. બૉમ્બ હાથમાં નહીં સળગાવવાનો’…નાની નાની વાતોનું કેટલું ધ્યાન રાખતા હતા !
આ સાત વરસમાં કોઈ દીવસ એમને એવું નહીં થયું હોય કે મારી દીકરી ક્યાંક દાઝી તો નહીં હોય ને ? એક ફોન નહીં; કોઈ વાતચીત નહીં ! આવું કેમ બની શકે ? ભલેને મેં ભાગીને લગ્ન કર્યાં હોય. ભલેને પપ્પાએ કહ્યું હોય કે, ‘મારે માટે એ મરી ગઈ છે.’ એ જ પપ્પા પહેલાં કહેતાં, ‘તું તો મારા ઘરની કોયલ છે.’ હવે કયો ટહુકો એમને સંભળાતો હશે ?
ક્યારેક ગુસ્સો આવી જાય છે. શું એમના કાને બહેરાશ આવી ગઈ છે કે એમની કોયલનો ટહુકો યાદ આવતો નથી ? પછી થાય છે કે ના એવું નહીં જ હોય. દીવાળીના દીવસે લાપસીનો પહેલો કોળીયો મોંમાં મુકતી વખતે હું જરુર યાદ આવતી હોઈશ. ફુલઝરના ઝગમગાટમાં પપ્પાને મારો ચહેરો દેખાતો હશે.
જીન્દગીની હાર્ડ ડીસ્કમાં સેવ થયેલા સ્મરણ એમ ડીલીટ થતાં નથી. રીસાઈકલ બીનમાં પડી રહેલાં આવાં સ્મરણ વારે વારે તાજાં થઈ જાય છે. આંખમાં એક રંગોળી ઉઠે છે અને આશીર્વાદ માટે ઉઠેલા હાથોનો સ્પર્શ અનુભવાય છે.
મીતાલી કહે છે કે હું જરાયે દુઃખી નથી. મેં પણ આજે નવાં કપડાં પહેર્યાં છે. આંગણે રંગોળી પુરી છે. ટોડલે દીવો કર્યો છે. મને કોઈ ફરીયાદ નથી, તો પછી એ લોકોની ફરીયાદ કેમ દુર થતી નથી ? મારા દરેક વર્તનમાં એમના જ સંસ્કાર રિફ્લેક્ટ થાય છે. હજુયે એ જ રીતે પગલાં ભરું છું, જે રીતે પપ્પાએ શીખવ્યું હતું. તો પછી આ દુરી કેમ આવી ગઈ ?
‘હાથ છુટે ભી, તો રીશ્તે નહીં તુટા કરતેં’… હાથ છુટી ગયો છે; પણ સમ્બન્ધ ? દીવાલ પર ટીંગાયેલાં તારીખીયાનાં પાનાં ખરતાં રહે છે. એ હાથ દુર ને દુર જતો રહે છે. જે હાથ મારા માથા પર વહાલ થઈને ફરતો હોય છે એ હાથ તમાચો કેમ બની જતો હશે ?
ખેર ! અગેઈન કહું છું, હું જરાયે દુઃખી નથી. પ્રીયજન સાથે ભાગીને લગ્ન કર્યાં છે એનો પસ્તાવો નથી. પપ્પા માટે ભલે હું મરી ગઈ હોઉં; પણ મારા માટે એ બધા જ જીવે છે. હું પણ જીવું છું.
એમણે કદાચ પોતાનાં સ્મરણ મનમાં દફનાવી નફરતની એક કબર ઉભી કરી દીધી હશે. એ વીચાર આવે છે ત્યારે પણ થાય છે કે લોકો કબર પર પણ ક્યારેક ફુલ ચડાવવા આવે છે. મૃત્યુતીથીએ પણ માણસો યાદ કરે છે. કમ સે કમ ‘તું મરી ગઈ છે’ એવું બોલવાની તારીખને મારી મૃત્યુતીથી સમજીને યાદ નહીં કરતા હોય ? સૉરી, સારા દીવસે આવી વાત બોલવી નહીં જોઈએ; પણ બોલાઈ જાય છે.
ઘણી વખત એવું થાય છે કે હુંય બધું ભુલી જાઉં; પણ હું ભુલી શકતી નથી કે પપ્પા–મમ્મીની વાતો પર હું કેવી હસી પડતી હતી. મમ્મી કહેતી કે તું હસે છે તો જાણે ઘરની બધી જ દીવાલો મહેકી ઉઠે છે. એ દીવાલ પર મારો જે ફોટો હતો એ તો એમણે તોડીને ફેંકી દીધો છે; પણ મનની દીવાલો પર અંકાયેલી યાદો પણ ભુંસાઈ ગઈ હશે ?
જીન્દગી છે; ચાલતી રહેવાની છે. એમની પણ અને મારી પણ. કંઈ જ નથી જોઈતું. કોઈ અપેક્ષા નથી. કોઈ ફરીયાદ નથી; છતાં પણ એવું શું છે, જે વારેતહેવારે કુંપળ બની ફુટી જાય છે, એ કુંપળનો સ્પર્શ થઈ જાય છે અને કેટલીક કુમાશ તાજી થઈ જાય છે ! હું એ કોલ્ડ સ્ટોરેજના દરવાજા તોડીને બહાર આવી ગઈ છું એટલે જ ક્યારેક પીગળી જાઉં છું; પણ પેલો બરફ પીગળતો નથી.
હું સુખી છું. પછી જેમણે કાયમ મારું સુખ ઈચ્છ્યું એ લોકો કેમ સુખી નથી ? હું તો પ્રાર્થના કરું છું કે તમે સુખી રહો–મને ભુલીને પણ. ભલે તમારાં આંસુ પણ તમારા કોલ્ડ સ્ટોરેજની જેમ જામીને બરફ થઈ જાય. પણ મારે બરફ થવું નથી. મારે તો ઝરણાની જેમ વહેતું રહેવું છે. એક જગ્યાએ થીજી નથી જવું.
મીતાલી પુછે છે કે મારા જેવી કેટલી પ્રીયદર્શીની હશે ? હું તો આ નવા વર્ષે એવી પ્રાર્થના કરું છું કે એમનાં આપ્તજનો કોલ્ડ સ્ટોરેજના બરફ જેવાં ન હોય…